Pages

hiren

 

સોલંકી યુગ

ગુજરાતમાં સોલંકી (ચૌલુક્ય) વંશના રાજાઓનો સમય. ઈ. સ. 942માં મૂળરાજ 1લાએ સોલંકી વંશ સ્થાપ્યો અને કર્ણદેવ 2જાના સમયમાં આશરે ઈ. સ. 1299માં તેનો અંત આવ્યો.

રાજ્યતંત્ર : સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ વગેરે પ્રતાપી રાજાઓના સમયમાં ગુજરાત રાજ્યનો નોંધપાત્ર વિકાસ થયો હતો. આબુ અને ચંદ્રાવતી તથા માળવા અને મેવાડના કેટલાક પ્રદેશોનો ગુજરાતના રાજ્યમાં સમાવેશ થતો હતો. તેમના શાસન દરમિયાન ગુજરાતનું રાજ્યતંત્ર ઘણું વિકાસ પામ્યું હતું. તેમાંના કેટલાક પ્રદેશોમાં સામંતો સત્તા ભોગવતા હતા અને બાકીના પ્રદેશો રાજ્યના સીધા શાસન હેઠળ હતા. તે સમયના રાજ્યતંત્રને લગતું કોઈ પુસ્તક ઉપલબ્ધ નથી; પરંતુ ‘લેખપદ્ધતિ’ નામે ગ્રંથમાંના લેખો, આ સમયના રાજ્યતંત્રને લગતી માહિતી પૂરી પાડે છે. આ ઉપરાંત તે સમયના મળી આવેલા અભિલેખોમાંથી પણ કેટલીક માહિતી મળે છે.

રાજા રાજ્યતંત્રનો સર્વોચ્ચ વડો હતો. સામંતો (મંડલેશ્વરો) અને અધિકારીઓની નિમણૂક તે કરતો. રાજાનું પદ વંશપરંપરાગત હતું. તેનો ઉત્તરાધિકાર તેના જ્યેષ્ઠ પુત્રને મળતો. રાજા અપુત્ર હોય તો તેના નાના ભાઈ કે નાના ભાઈના પુત્રને વારસો મળતો. રાજા ‘મહારાજાધિરાજ’, ‘પરમભટ્ટારક’, ‘પરમેશ્વર’ વગેરે બિરુદ ધારણ કરતો. અમુક રાજાઓ ‘અવંતીનાથ’, ‘બર્બરકજિષ્ણુ’, ‘અપરાર્જુન’, ‘એકાંગવીર’ જેવાં વિશિષ્ટ બિરુદો ધરાવતા.

No comments:

Post a Comment

video

 video